*ઈતિહાસ* : *પાટણ ના સહસ્ત્રલિંગ તળાવ* 
વીર વનરાજે અણહિલપુર પાટણની સ્થાપના વિ.સં. ૮૦૨માં કરી હતી. અણહિલપુર પાટણનો ઘેરાવો બાર કોષમાં હતો અને એમાં ચોર્યાસી ચૌટા અને બાવન બજાર હતા, અને રોજની એની એક લાખ ટંકાની આવક હતી. આટલું પ્રાચીન ભવ્ય નગર કુદરતના કોપને લીધે નામશેષ થઈ ગયું અને એને યાદ કરતા શ્રી નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા લખે છે :
અહીંયા સહસ્રલિંગ તળાવ વિશાળ હતું
અહીંયા પાટણ જુનું અહીં આ લાંબુ સૂતું.
અહીંયા રાણીવાવતણાં હાડ પડેલા
મોટા આ અહીં બૂરજ મળ્યા માટીના ભેળા’

વીર વનરાજે અણહિલપુર પાટણની સ્થાપના વિ.સં. ૮૦૨માં કરી હતી. અણહિલપુર પાટણનો ઘેરાવો બાર કોષમાં હતો અને એમાં ચોર્યાસી ચૌટા અને બાવન બજાર હતા, અને રોજની એની એક લાખ ટંકાની આવક હતી. આટલું પ્રાચીન ભવ્ય નગર કુદરતના કોપને લીધે નામશેષ થઈ ગયું અને એને યાદ કરતા શ્રી નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા લખે છે :
અહીંયા સહસ્રલિંગ તળાવ વિશાળ હતું
અહીંયા પાટણ જુનું અહીં આ લાંબુ સૂતું.
અહીંયા રાણીવાવતણાં હાડ પડેલા
મોટા આ અહીં બૂરજ મળ્યા માટીના ભેળા’
વર્તમાનમાં જે પાટણ છે એ તો નવું વસાવેલું નગર છે. જૂના નગરની ભેળા ધરતીના પેટાળમાં સૂઈ ગયેલાં સ્થાપત્યોમાં રાણકી વાવની સાથે સહસ્રલિંગ સરોવર પણ છે. આ સરોવરનું પેટાળ ફંફોસતાં એની સાથે જોડાયેલી સિદ્ધરાજ, રાણકદેવી, જસમા ઓડણ, બાબરો ભૂત અને વીર માયાની અનેક કથાઓ, દંતકથાઓ, અનુશ્રુતિઓ, ઇતિહાસ અને અર્ધઇતિહાસ કથાઓ લોકગીતોમાં, લોકકથાઓમાં, ભવાઈ વેશોમાં અને લોકકંઠે આજે પણ રમતી દેખાય છે. ‘પાટણની શ્રી અને સંસ્કૃતિ’માં શ્રી મુકુંદભાઈ બ્રહ્મક્ષત્રિયએ બે દંતકથાઓ નોંધી છે.
સિદ્ધરાજનું રાજ અમર તપતું હતું. ત્યારે એણે પ્રજાને ઉપયોગમાં આવે એવા ઘણા કાર્યો પ્રજાહિતમાં કર્યા હતા. એ સમયની આ વાત છે. એક વેપારી અને શાહુકાર બંનેના દીકરાઓ સિદ્ધરાજ પાસે ન્યાય કરાવવા આવ્યા. શાહુકારનો દીકરો કહે છે : ‘મારા પિતાશ્રીના ચોપડે આ ભાઈના પિતાશ્રીએ નવ લાખ રૂપિયા અમને આપ્યાની નોંધ છે. હું એમને આ રૂપિયા પાછા આપું છું પણ તે લેતા નથી.’ સામે વેપારીના દીકરાએ વિનમ્રતાપૂર્વક એવું કીધું : ‘બાપુ ! અમારા હિસાબી ચોપડામાં આવી નવ લાખની રકમ તેમના ખાતે ઉધાર્યાની કોઈ નોંધ નથી. તેમજ મારા પિતાએ મરતા પહેલા પણ એવી કોઈ જ રકમ ઉછીની આપ્યાની વાત મને કરેલ નથી,તો મારાથી આ રકમ ના લઇ શકાય.’ પાટણના બે પ્રામાણિક યુવાનોના મીઠા ઝઘડાનો તોડ કાઢતાં સિદ્ધરાજે એક વચલો રસ્તો કાઢ્યો અને એમને કીધું :
આ નવ લાખની રકમ જનસમાજને ઉપયોગી થાય તેવા કોઈ ધાર્મિક કાર્યમાં વાપરો કે જેનાથી એનું પુણ્ય તે રૂપિયાના સાચા માલિકને પ્રાપ્ત થાય.'(આપણા શિલ્પશાસ્ત્રોએ વાવ, કૂવા, તળાવ, જળાશય બાંધવાથી પૂણ્ય મળે છે એ વાત લખી છે. આ આપણી ભારતીય સંસ્કૃતિ છે.) આ સાંભળીને એ બંનેએ એ રકમ આવા કાર્યમાં વાપરવા દેવાની સંમતિ પણ આપી દીધી. ત્યારબાદ સિદ્ધરાજે એ નવ લાખ રૂપિયા ખર્ચીને નવલખી તળાવ બંધાવ્યું. આ નવલખી તે જ સહસ્રલિંગ હશે ! કારણ કે સિદ્ધરાજે સહસ્રલિંગ સિવાય પાટણમાં બીજું કોઈ તળાવ બંધાવ્યું હોય એવી કોઈ જ ઐતિહાસિક નોંધ મળી નથી.
બીજી એક દંતકથા પ્રમાણે પાટણની વેપારી પ્રજાની રાજા પ્રત્યે કેવી પ્રીતિ હતી એના વિષે વાત જાણવા મળે છે. સિદ્ધરાજે માળવા પર ચડાઈ કરી હતી. યુદ્ધ ગણતરી કરતાં વધારે લાંબો સમય ચાલ્યું. રાજની તિજોરીનું ખર્ચ પણ વધી ગયો એ જ અરસામાં સહસ્રલિંગ સરોવરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું પરંતુ નાણાંના અભાવે તાત્કાલિક તે કામ પણ અટકી પડયું. એ સમયે પાટણનો એક વેપારી ત્રણ લાખ રૂપિયા લઈ રાજના મહાઆમાત્યને આપવા ગયો. રાજાની ગેરહાજરીમાં રાજાની અનુમતિ વિના એણે એ દાન સ્વીકાર કરવાની ના પાડી. પછી ચતુર વણિક વેપારીએ યુક્તિ કરી. પોતાના જ પુત્ર પાસે ખજાનામાંથી સ્ત્રીનું કાનમાં પહેરવાનું લવિગિંયુ (આભૂષણ) ચોરાવ્યું. રાજાના સૈનિકો પાસે પુત્રને પકડાવ્યો. ચોરીના ગુનાની સામે પુત્રને મુક્ત કરવા પ્રધાને ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. વેપારીએ રાજના ખજાનામાંથી આ રકમ ભરીને પુત્રને છોડાવી લીધો. અને એ રકમમાંથી જ સહસ્રલિંગ સરોવરનું બાકીનું કામ પણ પૂરું થઇ ગયું. સિદ્ધરાજ માળવા જીતી પાછા ફર્યા એ પછી સહસ્રલિંગનો હિસાબ જોઈને વેપારીના દંડના ત્રણ લાખ રૂપિયા જમા થયેલા જોયા, અને એ જ રકમથી સરોવરનું કામ પણ પૂર્ણ થયું એ પણ એમને જાણ થઇ. તપાસ કરતાં એ વેપારીએ કરેલી યુક્તિ સિદ્ધરાજથી છૂપી રહી નહિ. સિદ્ધરાજે એને રાજની કચેરીમાં બોલાવ્યા અને માનપાન સાથે વેપારીની રકમ પાછી આપી દીધી.
ત્રીજી દંતકથા છે એ પ્રમાણે સહસ્રલિંગ સરોવર સઘરો જેસંગ (સિદ્ધરાજ) અને જસમાની દંતકથા જોડાયેલી છે, એન પરિણામે પાટણ અને સહસ્રલિંગ સરોવર ગુજરાત પૂરતું મર્યાદિત ન રહ્યું અને અન્ય રાજ્યોના સીમાડા પણ વટાવી ચૂક્યું છે. પરંપરાથી જનસમાજના હૈયે વસતા જસમા ઓડણના રાસડાના અનેક પાઠાન્તરો ય પ્રાપ્ત થયા છે. એમાંનો એક રાસડો મેઘાણીભાઈએ આ મુજબ નોંધ્યો છે.
પાછલી પરોઢની રાત, રાણીએ રાજાને જગાડિયો
ઊઠ રાજા પોઢંતો જાગ, પાણી વિના પોરા મરે,
બળ્યો તારો પાટણ દેશ, પાણી વિના પોરા મરે,
રૂડો મારો સોરઠ દેશ, સાવજડાં સેજળ પીએ
તેડાવો રેઘમલ ભાણેજ, ઓડોને લખી કાગળ મોકલે.’
આ રાસડાનું અર્થઘટન આપતાં ડો. મયંકભાઈ જોષી લખે છે કે, રાણી ઊંઘતા રાજાને જગાડીને તળાવ ગળાવવા કહે છે. રાજા ભાણેજ દુધમલને તેડાવી અર્ધાલાખ ઓડ અને એક લાખ ઓડણોને બોલાવવા કાગળ લખાવે છે. એ કાગળ લઈને ભાણેજ વાગડ જઈ ગોવાળો, ભાટ, ચારણોને પૂછતો પૂછતો જસમાને ઘરે આવે છે એ પછી જસમા જેઠ, સસરા વગેરેને કાગળ વંચાવે છે. કુટુંબીજનો જસમાને વારે છે છતાં જસમા પતિ સાથે ઓડોની વણઝાર લઈને પાટણ આવી પહોંચે છે. રાસડો આગળ ચાલે છે :
રાજાને થઈ રે વધાઈ, રાજાજી સામા આવિયા
ઓડોને ગોંદરે ઉતાર, જસમાને મહેલ મેડી તણા’
જસમાના રૂપથી મુગ્ધ થયેલા રાજાએ જસમાને મહેલમાં નિવાસ ગાદલા, હિંડોળા, ખાટ અને ખાનપાનમાં કમોદ, દહી વગેરે આપવાની તત્પરતા બતાવી પણ પતિવ્રતા જસમા એનો અસ્વીકાર કરે છે અને આમ જ વડછડ ચાલે છે :
‘મહોલે તારા કુંવરને બેસાડ
અમારા ઓડોને ભલા ગોંદરા
ઓડોને સાથરા નંખાવ્ય
જસમાને હિંડોળા ખાટલા
હિંડોળે તારા કુંવરને બેસાડ
અમારે ઓડોને ભલા સાથરા’
રાજા તો જસમાના રૂપ પાછળ ઘેલો થઇ ગયેલો છે. જસમા એના પ્રલોભનમાં આવતી નથી કારણકે એને રાજમહેલની સાહ્યબી જોઈતી નહતી કેમ કે એ તો પતિવ્રતા છે. ગીત કહે છે કે રાજાએ તળાવ ખોદતા ઓડોને મારી નાખ્યા. જસમા બધાને અગ્નિદાહ આપે છે. અગ્નિની જ્વાળાથી આકાશના પક્ષીઓ બળતા હતા. જસમા રાજાને આકાશમાં સોનાની સમડી જોવાનું કહે છે. રાજા આકાશમાં જુએ છે અને એટલી જ વારમાં તો જસમા પણ આગમાં કૂદી પડે છે અને રાજાને શાપ આપે છે ‘તું નિર્વંશિયો થઈશ. તારા તળાવમાં પાણી નહીં રહે, પાટણની પ્રજા પાણી વગર ટળવળશે.’ એવો શાપ આપીને જસમા એ આગમાં બળી મરી. આજે પણ જગબત્રીસીએ આ કથાગીત ગાવામાં આવે છે.
લોકનાટય ભવાઈમાં જસમાના વેશ ખુબજ લખાતા આવ્યા છે. કિંવદંતીઓને ભલે આપણે જોડી કાઢેલી વાર્તાઓ માનતા હોઈએ પણ કિંવદંતીઓ અને લોકકથાઓ પરથી જ ઇતિહાસ લખવામાં આવ્યા છે એ વાત આપણે ના ભૂલવી જોઈએ, પરંતુ પૂરી ચોકસાઈ માટે એ જરૂરી ગણાય કે, ક્યારેક કોઈ એક રાજ્યના ભાટ, બારોટ દ્વારા અન્ય હરીફ રાજાને નિમાણો ચીતરવા પ્રચલિત અન્ય સ્રોતની કથાને રાજા સાથે સાંકળવામાં આવેલી પણ હોય છે જેથી રાજાની કીર્તિને કલંક લાગે. પાટણના સહસ્રલિંગ સરોવરની સાથે સધરા જેસંગના અને જસમા ઓડણની જેમ વીર માયાની કથા ૯૭૮ વર્ષથી સંકળાયેલી રહી છે. પાટણના મહાપ્રતાપી રાજવી સિદ્ધરાજને પુત્ર ન હતો , માટે પંડિતોની સલાહ પ્રમાણે એણે ભવ્ય તળાવ ગળાવી સતી રાણકે અને જસમાએ આપેલા શાપનું નિવારણ કરવાનો સંકલ્પ કર્યો. સહસ્રલિંગ સરોવરનું બાંધકામ તો એકદમ ભવ્ય રીતે કરવામાં આવ્યું. તળાવકાંઠે એક હજાર શિવમંદિરો પણ બનાવ્યા અને એમાં એક મંદિરમાંથી દોરી ખેંચતા હજાર મંદિરોમાં એક સાથે ઘંટારવ સંભળાતો હતો પરંતુ એક જ વ્યાધિ એ હતી કે એમાં પાણી ટકતું ન હતું. બાર બાર વર્ષના વહાણા વાયા. ત્યાં મનુષ્યો તો ઠીક પરંતુ પશુઓ અને પંખીઓ પાણી વિના ટળવળવા માંડ્યા, સતીએ આપેલા શાપના નિવારણ માટે પંડિતોને બોલાવવામાં આવ્યા. રાજના ત્રિલોચન પંડિતે કુંડળી મૂકી શાપનું તારણ સૂચવ્યું : ‘સહસ્રલિંગ સરોવરમાં જો કોઈ બત્રીસ લક્ષણા પુરુષનું બલિદાન દેવામાં આવશે તો જ પૃથ્વી તૃપ્ત થાય. પાટણની ધરતી બત્રીસ લક્ષણા માનવીનું બલિદાન માંગે છે.’
શ્રી મુકુંદભાઈ બ્રહ્મક્ષત્રિય લખે છે જ પાટણમાં ઢંઢેરો પીટાયો, ઢંઢેરો પીટનાર ટોળીમાં માયા નામનો એક દલિત હતો અને એ ઘણો જ સંસ્કારી પણ હતો. માયાનાં માતાપિતા ધાર્મિક સંસ્કારવાળા હતા. એમનો એકનો એક દીકરો માયા બલિદાન આપવા માટે તૈયાર થઈ ગયો. વીર માયાનું ભવ્ય સામૈયું પણ કાઢવામાં આવ્યું. પછી એના નામનો જયજયકાર થયો ,એટલે સિદ્ધરાજે માયાને કંઈક માગવા માટે કીધું. એટલે માયાએ પોતાના દલિત સમાજ માટે શું માંગ્યું ?
અદમારી વાત રાજા માનોજી, કુલડી છોડાવો ને ઝાડુ હટાવો
ગામમાં વસવાટ આપોજી રે, અમને અડે ના અભડાઈ જાયે.
વહેવાર સરીખા રાખોજી રે (વિઠ્ઠલરાય શ્રીમાળી)
આગળ કથા કહે છે કે, બત્રીસલક્ષણા વીર માયાનું બલિદાન અપાતાં આકાશમા સૂર્યદેવ થંભી ગયા, વીર માયાના બલિદાનથી તૃપ્ત થયેલ ધરતીમાંથી નીર પ્રગટયા, અને સરોવર છલકાવા માંડ્યું. અઘાર ગામના બારોટ શ્રી રામાભાઈ ઝાલાભાઈ પાસે માયાની વંશાવલી સચવાઈ છે. નથુરામ ભાટના ચોપડેથી લખાયેલી ‘માયાવેલ’ એક ઐતિહાસિક દસ્તાવેજ છે. માયાવેલ ૧૦૪ પંક્તિનું માયાના આત્મસમર્પણનું અમર શહીદ કાવ્ય છે. માયાનું જન્મ સ્થળ રનોડા (તા. ધોળકા) છે તેનો જન્મ વિ.સં. ૧૧૪૫ ભાદરવા સુદ નોમ અને બલિદાન વિ.સં. ૧૧૯૪ મહા સુદ સાતમ ને શનિવાર, સ્થળ પાટણ. આ વાતને આજે ૯૭૮ વર્ષ થયા ભાઈ. આજે પણ સહસ્રલિંગ સરોવરની રાણીના મહેલ તરીકે ઓળખાતી ટેકરી પર વીર માયાનું સ્મારક બનાવવામાં આવેલું જોવા મળે છે. અહીંયા દર વર્ષે મહા સુદ સાતમે ભવ્ય ઉજાણી મેળો ભરાય છે અને અહીંયા ખેતમજૂરો અણુજો પાળી મેળો મહાલવા એકઠા થાય છે. રાસગરબાની રમઝટ બોલાતી હોય છે. વીર માયાની શહાદતની ગાથા રાસ, રાસડા, ગરબા, ભજનો, દુહા- છંદ, આરતી થાળ, તિથિઓ માયાવેલ અને વીરમાયા છવ્વીસી જેવા કાવ્યપ્રકારોમાં કંડારાઈને લોકહૈયે અમર બની ચુકી છે.


