ખણખણ સાંભરે ખીમરો
*****************
' એ ધોડેસવાર ભાઈ ! તમે રસ્તામાં આ દિશાએ આવતો કોઈ સંઘ જોયો ? '
' ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને કેટલાયે સંઘ હવે પાછા આવી રહ્યા છે, હું તો કોઈ સંઘ સાથે ગયો ન હતો તમે પાછળ આવનાર અસવારને પૂછજો, તમારે કોના સંધનું કામ છે? નામ ઠામ બતાવશો તો જાણતલ માણસ જવાબ દેશે. રેવાલ ચાલે હાલતા ઘોડા માથે બેઠેલા અસવારે દીધેલ ઉત્તરના શબ્દો હાલારના કલ્યાણપુર પંથકમાં આવેલા રાવળ ગામમાંથી મેરીપર જવાના રસ્તા વચાળે હવામાં ફંગોળાયા અને યુવાનની નજર ઘોડાના ડાબલાથી ઉડતી ખેપટમાં ખોવાઈ ગઈ.
ફરી પાછો એ દ્વારકાધીશની દિશા ભણી અનિમેષ નયને મિટ માંડી રહ્યો છે, પરંતું હૈયામાંથી ખૂટેલી ધીરજે એને જંપવા દીધો નહતો. તેથી બે દી ' અગાઉથી જ આ " સાન " નદી જાણે એની સહિયર બની ગઈ હોય તેમ ધામા નાખીને બેઠો છે. ઉજાગરાથી એની આંખ્યુંમાં જાણે કંકુના આંજણ અંજાણાં છે. હજુ તો મૂછનો દોરો ફૂટ્યો ન હતો. માથે લાલ કસુંબાનો ફટકો વીંટાળ્યો છે. અંગ ઉપર કેડિયું અને ચોરણો પહેર્યો છે. એના ઉપર જુવાની ચાર ચાર આંટા લઈ ગઈ હોય તેમ એનો ચહેરો રાતી રાણ્ય જેવો જોનારના કાળજે ચોંટી જાય તેવો દેખાય છે.
વસૂકેલા ઢોર જેવાં વાદળાં આભના આંગણે હડિયું કરે છે. ભગવાન શ્રીકૃષ્ણને જન્માષ્ટમી ટાણે આરઝુ કરવા નીકળેલા સંધો હવે પાછા ફરી રહ્યા છે. બપોરના સૂરજે સહેજ પડખું ફેરવ્યું એવે ટાણે ફરીવાર એની નજર દ્વારકાની વાટય ભણી માંડી. સામેથી પૂરપાટ ઝડપે એક ઘોડેસવારને દૂરથી એણે જોયો ને એના દિલમાં આશાનો દીવડો પ્રગટ્યો. ઘોડેસવારે સાન નદી વટાવી અને એના પટમાં આવતાં ઘોડાને ધીમો પાડ્યો. એના માથે ખંભાતી પાઘડી ઉપર બુકાની બાંધી છે. ધોતી અને પહેરણ પહેરેલાં છે. કેડયે બાંધેલ ભેટમાં કટાર ખોસેલી છે અને ખભે તલવાર લટકી રહી છે. યુવાનની લગોલગ ઘોડો આવતાં યુવાન બોલ્યો, " રામ, રામ ભા, દ્વારકા ભણીથી આવો છો ? "
" હા, પણ આ રાવળ ગામ જ છે ને ? " ' હા છે તો, ' રાવળ ગામ જ પણ. તમોએ રસ્તામાં આ બાજુ આવતો કોઈ સંઘ જોયો ? " જવાબ આપીને યુવાને સામો પ્રશ્ન કર્યો.
" દ્વારકાધીશના રસ્તેથી ઘણાય સંઘ આવે ને જાય પણ છે, તમો કોના સંઘની પુછા કરવા માગો છો ? ઘોડેસવારે
ઘોડા પરથી નીચે ઊતર્યો ને ઇંતેજારી ભર્યો પ્રશ્ન કરતાં યુવાનને નખશીખ નિહાળે છે.
" મારે ખંભાતથી ત્યાં ગયેલા લોડણના સંઘનું કામ છે. મારું નામ ખીમરો, આ મારું ગામ છે, જાતે આયર છું. "
જવાબ સાંભળતા તો ઘોડેસવારની આંખમાં ચમક આવી. એનો એક હાથ તલવારની મૂઠ ઉપર મંડાણો ને ભાર દેતાં વેણ બોલ્યો, " એમ તારું નામ જ ખીમરો છે ? "
બીના તો એવી બનેલી કે આઠ દી ' અગાઉ જ ખંભાતથી નીકળેલા એક સંઘની છાવણી ' રાવળ ' ગામે નંખાણી તે સંઘ લોડણ નામની ગામની રૂપરૂપનો અંબાર એવી કન્યાના નામે ઓળખાણો. ગામના પાદરમાં આવેલા એ સંઘની આગેવાન લોડણને કોઈ બાઈએ જોતાં જ આખા ગામમાં એના સૌંદર્યના વખાણ કરતાં એ થાકતી નહોતી. જે દી ' દીનોનાથ નવરો હશે ત્યારે એને ઘડી હશે. નમણાં નેણમાં નકરું લાવણ્ય ઝરે છે. દાડમની કળી જેવા દાંત. નાક, નેણ અને મોંનો એક સરખો તાલ. હજુ તો વસંત એના અંગમાં ફોરમ દઈ રહી છે. એવી એ મદઝરતી કન્યાને જોવા ગામની યુવતીઓ અને બાઈઓ એકસામટી એ છાવણીમાં ઊભરાણી હતી. શ્રીમંત ઘરની કન્યા લોડણ સહુને બાથ ભરીને ભેટતી હતી . તે પૈકી એકને મળતાં લોડણની ઊભરાતી છાતીમાં ગરમી આવી અને એકબીજાને ઘડીભર તો છોડતાં નથી. ચાર આંખો મળી ગઈ ! ગામની બાઈઓના ગયા પછી સ્ત્રીના કપડાં પહેરેલ વ્યક્તિને લોડણ એકલાં મળ્યાં - ' કોણ છે તું ? ' મારું નામ ખીમરો.' આંખના ઉલાળે મળેલા જવાબમાં એનું જોબન અને ઝમીર હસી રહ્યાં. લોડણ એના અંગે અંગમાં પ્રસરી રહેલી માદકતાએ ઘવાણી. ખીમરો એના યુવાન હૈયામાં મોરલો બની ગયો. જાણે જુગજુગ જૂની પેલાભવની પ્રીતનાં વછોયેલાં હૈયાં ફરી મળ્યાં.
' આ રીતે આવવાનું કારણ ? '
' તમારી પ્રશંસાના પુષ્પોની ફોરમ મને અહીં ખેંચી લાવી. આ રીત સિવાય કોઈ રસ્તો મને જડ્યો નહિ. એક વખત તમારા સૌંદર્યને પીવા હસુ હસુ થતા મુખડાને જોવાની લાલચને મારાથી રોકાણી નહિ. તમને જોવાનો મોકો મળ્યા પછી હવે તો આખી જિંદગી તમારા સથવારે કાઢી નાખવાની અભરખા છે, પૂરી કરશો ને? ' ખીમરાએ લોડણના હૈયામાં હેતનાં કૂંડા ઠાલવ્યાં.
' વીસ દી ' પછી આવીશ. '
' લોડણ, એટલો વદાડ મારાથી ખમી શકાશે નહિ. ' મેં તો આ ઘડી ભગવાન દ્વારકાધીશની સાક્ષીએ મનસૂબો કર્યો છે કે તમારા સિવાય કોઈ પણ સ્ત્રી મારે મા - બેન છે. ' લોડણનો કંકુવર્ણો હાથ ખીમરાએ પોતાના હાથમાં લેતાં અડગ હિમાલય શી શ્રદ્ધા અને નિર્ણયને બોલતાં કર્યાં.
બસ, પછી તો આઠ દિવસની અવધ મંડાણી,સંઘ દ્વારકા પહોંચ્યો. લોડણના અંતરમાં ઊભી વાટય ખીમરો ઘમસાણ મચાવી રહ્યો હતો. તેણે દ્વારકાના નાથને બે હાથ જોડીને ખીમરાને પોતાના હૃદયમાં સ્થાપી દીધો. તે રાત્રે ઊંઘમાં તેને કંઇક અજૂગતું સ્વપ્ન આવ્યું. તેણે જોયું કે ખીમરો ધરતી ઉપરથી હાલી નીકળ્યો છે. સ્વપ્નમાંથી ઝબકીને જાગતાં લોડણ બોલી ઊઠી, ' ખીમરાને ખમા. ' આ શબ્દોએ બાજુમાં સૂતેલો તેનો ભાઈ ચોંકી ઊઠયો. સંઘના માણસો પાસેથી સગડ મેળવતાં ' રાવળ ' ગામની ઘટના બહાર આવી. એકાંતમાં મળ્યાનું પણ ખુલ્લું થયું.
' આ માણસે મારી બહેનને ભોળવી છે. ' ક્યાં આ ગામડિયો અને ક્યાં શ્રીમંત ઘરની મારી બહેન ! સંઘના માણસોને સૂચના આપી એ ચડયે ઘોડે આવ્યો ને ખીમરા સાથે વાતોના દોર સાંધતાં એણે એનો હાથ પકડીને આગળ કર્યો. તલવારના એક જ ઝાટકે એનું પ્રાણપંખેરું ઊડી ગયું. ગામમાં હાહાકાર થતાં આયરોએ પણ લોડણના ભાઈને ત્યાં જ ધરતી ઢાંક કરી દીધો ! '
એવામાં જ લોડણનો સંઘ આવ્યો. બંનેના શબને નીરખતાં એના રોણાંએ ઝાડવાં રોવરાવ્યાં. ધરતી આંસુઓએ ભીંજાણી. બીજા દિન સવારે ખીમરાની લાશ ખોળામાં લઈ કહ્યું, ' હે સૂરજદેવ ! ખીમરા સિવાય કોઈએ મારા અંતરમાં પ્રવેશ ન કર્યો હોય તો અગ્નિ પ્રગટાવ. રાવળ ગામને પાદર ત્રણ ચિતાઓ ભડભડ બળવા લાગી ત્યારે જમદૂત પણ રોયા. !
*************************************
લોકકવિઓના દુહા હજુય આ પંથકમાં પડઘા પાડે છે .
સારડિયું સગા, પંડમાં જઈ પૂગિયું :
વલાસ્યું વલહા ( મને ) ખણ ખણ સાંભરે ખીમરો (1)
ખંભાતથી હાલી ખીમરા, નાવા ગોમતી ગઈ ;
અધૂરા લખ્યા'તા આંકડા, રાવળ અધવચ્ચ રઈ ! (2)
તડકોને ટાઢ, અમે વગડોય વેઠેલ નહિ ;
રેવી પડી રાત , તારી ખાંભી માથે ખીમરા. (૩)
સિંદોર ચડાવે સગાં, દીવોને નાળિયેર દોઉં ;
લોડણ ચડાવે લોઈ, તારી ખાંભી માથે ખીમરા. (4)
સંધેડો સડેડયો જાય, ખમાડ્યો ય ખમે નહિ ;
રો ' મા રાવળીયા, મને ખોટી કર મા ખીમરા. (5)
વિસે દિનો વદાડ, પણ આઠે દા ' ડે આવશું ;
રો' મા રાવળીયા, ખારે આંસુડે ખીમરા. (6)
ડાબી ભૈરવ કળકળે, જમણી લાળી થાય ;
લોડી ખંભાતણ ભણે, ( આ ) સંઘ દ્વારકા ન જાય. (7)
જાતાં જોયો જુવાન, વળતાં ભાળું પાળિયો ;
ઊતરાવું આરસપાણ, ખાંતે કંડારું ખીમરા. (8)
ચોરી આંટા ચાર, પાટે પરણિયાં નહિ ;
વાલમ તણી વરમાળ, ખંતન નાખી ખીમરા. (9)
ખીમરા મોટી ખોડ, માણસને મરવા તણી;
લાગે લાખ કરોડ, ઈ જેવી એકેય નહિ. (10)
કુંપા કાચ તણાં, રાખ્યા રિયાં નહિ ;
ભાંગી ભુર થયાં, તારી ખાંભી માથે ખીમરા. (11)
ધોડાળાં જાવ ઘરવાટ, અમે પાળા વળતાં પુગીશું ;
રે ' વી મારે રાત, તારી ખાંભી માથે ખીમરા. (12)
*************************************નોંધ : રાવળ ગામે ત્રણે ખાંભીઓ ખીમરા લોડણના અમર પ્રેમની યાદ અપાવતી આજે પણ કાળની અનેક થપાટો સામે ઝીંક ઝીલતી અણનમ ઊભી છે.
લેખક : શિવદાન ગઢવી