સાદુળે.... સાદુળ !

************
" ધીંગો ગરવરનો ધણી, દણકંતો દહીવાણ,
માર્યો સાવજ માણસી, રંગ ! ખમા વ્રજરાણ..."
કુંડલા પરગણાના સેંજલ ગામે, સવારે - બપોરે અને રોંઢો વેળાએ સાદુળ ખુમાણની ડેલીએ કસુંબા ઘૂંટાતા ઘૂંટાતા, રંગ દેવાતાં, ઉપરનો દુહો ચારણ અને બારોટની જબાનોએ સો સો વાર લલકારાયો, કવિતા કરનારનાં ઘોડા સેંજલ બાજુ દોડતાં જ રહ્યાં અને વાત વધારે પડતી થતી રહી, ત્યારે સાદુલ ખુમાણનું માથું પાકી ગયું...!
કાંથડ ખુમાણના treeનાનેરા ભાઈ, માણસિયા ખુમાણે સાવજ માર્યો અને બારોટ ચારણની કવિતાએ આડો આંક વાળ્યો. પોતાની બિરદાવલિ સાંભળી માણસિયા ખુમાણની મૂછોના આંકડે ચાર આંગળ પાણી વધૂકું ચડ્યું, ત્યારે મોટાભાઈ કાંથડ ખુમાણને ચીતરી ચડી. કાળી ભમ્મર મૂછોના થોભિયા નીચેના એના હોઠે ઊઘડું ઊઘડું થઈ ઊઠે છે કે ભલા 'દમી! હવે તો હાંઉ કરો ! માણસિયા મારો નાનેરો ભાઈ છે ઈ ખરું, એણે સાવજ માર્યો ઈય ખરું, સાવજ ભેંકાર અને ખૂંખાર જાનવર છે ઈયે ખરું, એની સામે ચાલવું અને મોતને નોતરું દેવું ઈ પણ ખરું.પણ વાત શૂરવીરતાને છોગાં ચડે એવડી બધી જબરી નથી. તમારા દુહા અને કવિત તો ત્યારે રૂડાં લાગે, કે જ્યારે માણસિયાએ સાવજ હાથોહાથ માર્યો હોય પણ આમાં એવું નથી થયું - માણસિયાએ તો બંદૂકની ગોળીએ સાવઝને માર્યો છે. બંદૂકની ગોળી તો ખેપિયો ગણાય, તેડાગર કહેવાય,એકાદ ખેતરવાના અંતરેથી આ તો ' સંદેશા ' નું મોત ગણાય. એમાં વળી કવિતા અને દુહાના લાંબા લપસીંદર શાનાં ?
આજથી દોઢસો વરસ ઉપર સેંજલ ગામના સાદુળ ખુમાણનાં રૂંવાડાં આ રીતે ચણચણી ઊઠેલાં...
તે દી' કુંડલા પરગણું, ગાઢ જંગલો, નદી - નાળાં અને ઝાડી - ડુંગરાઓથી ધટાટોપ હતું... ગિરના જંગલની દાઢી છેક સેંજલ મેવાસાના પાદર સુધી પથરાયેલી હતી. નદીઓ વહે, ડુંગરા દૂઝે અને વંકી ભોમકા ઉપર આઠ આઠ માસના ચોમાસાં વારંવાર મંડાય. ધરતીનાં પેટાળ ફોડીને અઢાર ભાર વનસ્પતિ અહીં હિલોળા મારે.ઠેર ઠેર માલધારીઓના ડંગા ખોડાય. નેસડાં બંધાય, ગાય - ભેંશોના ધણ ઊભરે, એટલે ગિરના જંગલમાંથી ડણકો દેતા વનરાજો, અકાંતરા આ બાજુ આંટો મારી જાય.
સેંજલના સીમાડે બાવળો અને મદાવો ડુંગરા સરખે સરખા ભેરૂબંધની જેમ વાતો કરતા ઊભા છે. ડુંગરાના ગાળામાં ગાય - ભેંશોના ધણ પણ ચરે છે. કયાંક કયાંક ગોવાળોના પાવા વાગે છે. મેપો નામનો ભરવાડ એના ઝૂંપડામાં રોટલા ખાવા બેઠો છે. એવે ટાણે સાવજની ડણક સંભળાણી. મેપો હજી તો હાથ વીંછળે એ પહેલાં સોનાના માદળિયા જેવી એની ' ખડાઈ ' ઉપર સાવજ તલપ્યો.એક પળમાં તો મેપાનું મોંઘેરું જાનવર સિંહના ડાચામાં હોમાઈ ગયું.
મેપો મરણિયો થયો. દાંત કચકચાવીને કેડયે ફાળિયું વીંટ્યું. પગરખાં કાઢી નાખ્યાં અને હાથમાં કુહાડી લઈને એણે સિંહની સામે ગડગડતી દોટ મૂકી અને ધૂધવતા વનરાજના ડેબા માથે મેપાએ કુહાડીનો ઘા કર્યો - સિંહનો પાછલો ' થાપો ' ધાથી અરધોક વેતરાઈ ગયો. હાંકલા અને પડકારા થયા. ધવાયેલો સાવઝ પડખેની કાંટયમાં લપાઈ ગયો.
સેંજલ ગામમાં ખબર પડી કે મેપાના ખાડુમાં સાવઝ પડ્યો. સેંજલ ગામમાંથી માણસિયા ખુમાણે હાથમાં બંદૂક લીધી અને સીમાડે પહોંચીને અટવીમાંથી એણે સાવઝને બહાર કાઢ્યો.
સાવઝ આક્રમણ કરે એ પહેલાં માણસિયા ખુમાણની ત્રણ બંધી બંદૂકે આઠ હથ્થાને ભોંય ઉપર સુવાડી દીધો...!
સાંજ ઢળતાં ઢળતાં, આખા પરગણામાં વાત વવલાઈ ગઈ કે સેંજલના ખુમાણે સાવઝને ભડાકે દીધો.
કવિ બારોટોની જબાનોએ સેંજલ ગામમાં કવિતા અને દુહાનાં જંગલ ઉગાડી દીધાં !
એકધારા વખાણ સાંભળીને મોટાભાઈ કાંથડનું માથું પાકી ગયું.
એક દિવસ એના હોઠ ઊધડી ગયા. દાયરામાં પોતાના બાપુ બેઠા હતા, છતાંય એનાથી બોલાઈ ગયું : ' રાખો બા, રાખો... ! તમે તો હવે હદ કરી...!"
" શાની હદ , આપા કાંથડ ? "
" શાની તે...? આ સાવઝ માર્યો એની..."
" સાવઝ મારે એની જ હદ ગણાયને આપા કાંથડ ! કાંઈ માખિયું મારવાની હદ થોડી ગણાય ? "
" તમે બધાંએ તો રજનું ગજ કીધું ભાઈ માણસિયાભાઈ એ સાવઝ માર્યો. રંગ છે એને પણ ઘા તો બંદૂકનો કે હાથો; હાથનો ? "
દાયરામાંથી તરત મરમ થયો : " તમે તો આપા કાંથડ! સાવઝને હાથોહાથ મારવાના, કાં ? "
અને આ સાથે આખો દાયરો પેટમાં આંટીઓ વળે ત્યાં સુધી હસ્યો !
દાયરામાં પોતાના બાપુ બેઠા હતા એટલે કાંથડ ખુમાણે
' મેંડ ' જાળવવા માટે જીભને દાંત તળે કચરી દીધી, પણ એના અંતરના એક અવાવરું ખૂણામાં આરસનો પથ્થર ખોડાઈ ગયો અને એના પર પ્રતિજ્ઞાનો લેખ લખાય
ગયો કે સમય આવ્યે જો સાવઝને હાથોહાથ ન મારું તો હું કાંથડ સાદુળનો નહીં."
દીકરા કાંથડના ચહેરા ઉપર મૂંગી પ્રતિજ્ઞાનો સિંદૂર ચમકતો જોઈને પિતા સાદુળ ખુમાણને ફાળી પડી કે દીકરો એક દિવસ સિંહ સાથે બાખડીને અમૂલખ એવી એની જુવાની પાણીના મૂલે વાપરી નાખવાનો છે ! ઉપરવાળો કરે ઈ ખરું !
અને ઉપરવાળાએ એક દિવસ આ સાડાત્રણ કાંકરી ભેગી કરી દીધી:
સૂરજ મા ' રાજ આકાશની અડીએ આવીને થોભ્યા ' તાં, એવે ટાણે ગામમાં બોકાસો બોલ્યો : " સાવજે કાળો કોપ કર્યો "
" વળી પાછો ત્રાટક્યો ? "
" ત્રાટક્યો તો ખરો, પણ આ વેળા ગાયની ઉપર."
"ક્યાં?"
" પીઠવડી ગામના રસ્તે સેંજળી નદીના કાંઠે, આપા સાદુળની વાડીએ. હિરાકણી જેવી ઓળકીને ધડબી નાખી. ગાયના ભાંભરડે ડુંગરા ધ્રુજી ગયાં."
" સાવઝે ગાયને મારી ? ! " કાંથડ ખુમાણના કાને થઈને વાતની આ કટારી એના કાળજા સુધી ઊતરી ગઈ...!
" હત ગોઝારા ! તેં મારા ગામના સીમાડામાં ગાયનું લોહી રેડ્યું ? અમારા સીમાડાને તેં પાતક ચડાવ્યું ? "
અને કાંથડ ખુમાણે હાથમાં તલવાર અને ઢાલ લીધાં :
" હું ય સાદુળ ખુમાણનો દીકરો એટલે સાવઝ અને તું પણ સાવઝ. આજ તો બથોબથ આવીએ." સાદુળ ખુમાણે કોઈનો પણ સાથ લીધા વગર સીમાડે દોટ દીધી.
વોડકીને ઢાળી દઈને સિંહ મારણે ચડ્યો હતો.
" એ ગોઝારા ! " કાંથડે સિંહને લલકાર્યો... સાડા ત્રણ હાથના માનવ ઓળાને પોતાની સામે તીરની જેમ ધસતો જોઈને વનરાજે ડણક દીધી.
" રાડ્યું દે માં, મારી સામો આવીજા. ધીંગાણું ખેલી લઈં."
સિંહે ગાયને પડતી મૂકીને કાંથડ ઉપર છલાંગ મારી.
કાંથડ ખુમાણના માથાને નિશાનમાં લઈને તાળવાં ઉપર
પંજો માર્યો, પણ એ પહેલાં કાંથડ ખુમાણની ઢાલ ત્યાં ગોઠવાઈ ગઈ ' તી છતાં સિંહના ભારે એ ગોઠણભેર થઈ ગયા. સિંહે જાણે એની ઠેકડી આદરી : " ધે. ધે... ધે.. ધે...! "
કાંથડે તલવાર વીંઝી. સાવઝના પેટના નળ કપાઈ ગયા. મિજાગરાવાળી ડાબલીનાં ઢાંકણાં ઉધડે, એમ સિંહના બે ભાગ થઈ ગયા.
" બછૂટી મ્યાન સે તેગ, હથા કંથડેશ વીર
મહાશૂર , વીર , ધીર હઠયો ના મેરાણ
પાડી વીજ આભ થકી, પટાળા કેસરી પરે
પા' ડ જ્યું પ્રચંડ પડે, એમ પડ્યો ' પંચાણ '
વીંધ્યા કુળ સુભટરા રાખવા વેંડુર
કહે સામતેશ કવિ રાખિયું શહુર."
સામત્તેશ કવિએ શૂરવીર કાંથડ ખુમાણને આખા છંદથી અમર કરી દીધા.
નોંધ: આ કાંથડ ખુમાણે સંવત ૧૮૯૯ માં કમળપૂજા ખાધી.
લેખક : નાનાભાઈ જેબલીયા


