🌿 અપકાર ને બદલે ઉપકાર 🌿
સાવરકુંડલા થી 15 કિ.મી દૂર આવેલા ‘જુના સાવર’ ગામ નો આ પ્રસંગ છે.
આ જુના સાવર ગામ માં બૌવ સત્સંગ હતો નહીં; એવા સમયે ગુણાતીતાનંદ સ્વામી સંતો નું મંડળ લઈને, આ જુના સાવર ગામમાં પધાર્યા.
ત્યારે ‘મીઠા સાકરીયા’ નામ ના સત્સંગી ને ત્યાં ઉતારો કર્યો. આ મીઠા સાકરીયાએ ઠાકોરજીને જમાડવા નો આગ્રહ કર્યો, એટલે સંતોએ ખિચડી પકાવી.
હવે અંહિયાના ગામધણી ઉગા ખુમાણને, સ્વામિનારાયણ ના સાધુ બિલકુલ ગમતા નહીં. એને આ વાતની જાણ થઈ એટલે, ગુસ્સામાં સાકરીયાના ઘરે આવીને ખિચડી નું ભાથું લાત મારી ને ઉડાડી દીધું. જમતા જમતા સંતોને ઊભા કરી દીધા, અને ખૂબ જ અપમાન કરીને, સંતો ને ખૂબ ઢોર માર માર્યા અને ગામ ની બહાર કાઢી મૂક્યા.
ત્યાંથી સંતોએ ગામ ની બહાર આવેલી શેત્રુંજી નદી કાઠે ઉતારો કર્યો.
ત્યાં ગામના કોઈએ આવીને જણાવ્યુ કે, “સ્વામી ! આ ગામ માં તમારું અપમાન થયું, એ તદન ખોટું થયું. પણ જેણે તમને અપમાનિત કર્યા; તેને પોતાની દુર્જનતા નું ફળ, પહેલા થી મળી ચૂક્યું છે. સાઇઠ વર્ષ ની ઉમરે પણ એ વાંઝિયો જ છે.”
સંતો તો કામ જ કુસંગી ને સત્સંગી કરવા માટે જ, ગામે ગામ વિચરણ કરતાં હોય છે. અને તેમની ઈચ્છા પણ એવી જ હોય છે કે, દુર્જન ને એવો સજ્જન બનાવવો કે, તેના આંગણામાં સ્વામિનારાયણ નું નામ ગુંજતું રહે.
ગુણાતીતાનંદ સ્વામીએ બાકીના સંતોને આજ્ઞા કરી કે, “શ્રીજી મહારાજને યાદ કરીને પાંચ પાંચ માળા ફેરવો. એના ઘરે પારણા બંધાય અને, ભગવાન સુલક્ષણો દીકરો આપે. અને એક દિવસ એના આંગણે આપણી ઝોળી ટિંગાય”
સ્વામીના કહ્યા પ્રમાણે સંતોએ માળા કરી, ઠીક એના 12 મહિના માં જ ઉગા ખુમાણને ત્યાં પારણું બંધાયું. એનું નામ જીવણ ખુમાણ રાખ્યું. ફરીથી સંતો આ જુના સાવર ગામે આવ્યા, અને ગામની બહાર શેત્રુંજી નદીકાંઠે ઉતારો કર્યો.
મહારાજ ની કૃપાથી જન્મેલો દીકરા જીવણને આ વાત ની જાણ થઈ. એટલે સંતો ને આવી ને પ્રાર્થના કરીકે, “મારા ઘરે પધારો..! હું ગામના મુખી ઉગા ખુમાણ નો દીકરો જીવણ છું.”
સંતોએ કીધું, “એમ ના અવાય. તારા બાપુજી અમને લેવા આવે, તો આવીએ..!”
છોકરાએ ઘરે આવીને બાપુજીને વાત કરી. તો બાપુજી તો બે હાથ ઘસીને, ના જ પાડી દીધી. એટલે છોકરો તો પોક મૂકીને, રોવા લાગ્યો. એટલે ઉગા મુખીની ઘરવાળીએ કીધું, “દેવ નો દીધેલો એક નો એક દીકરો, આટલું બધુ રોઈ રયો છે. તો તમે માનતા કેમ નથી ? જાઓ અને સંતો ને તેડી લાવો. એ સંતો તમને મારવાના થોડા છે.”
પત્નીના આદેશથી બાપ દીકરો સંતો પાસે ગયા, અને ઘરે પધારવા ખૂબ ખૂબ આગ્રહ કર્યો. ત્યારે સંતોએ કીધું, “તમારું ઘર અપવિત્ર છે. માટે પહેલા આખું ઘર ધોઈને લીંપણ કરો. પછી અમે આવીશું.”
ઉગા ખુમાણે, સંતોના કહ્યા પ્રમાણે કર્યું. અને સંતોએ તેના ઘરે આવીને ખીલીએ ઝોળી ટીંગાડી. પછી છોકરા જીવા ખુમાણે સંતોને કીધું, “સ્વામી ! હવે મને, કંઠી બાંધો.”
સ્વામીએ કંઠી બાંધી અને પ્રસાદી આપીને કીધું, “જા ! આ પ્રસાદી તારા બાપુજી ને આપજે”
છોકરાએ જઈને બાપુજી ને પ્રસાદી જમવા કીધું, તો બાપુએ ના પાડી દીધી. એટલે છોકરો તો વળી પાછો, પોક મૂકીને રોવા લાગ્યો. એટલે તેની માંએ ફરી થી હુકમ કર્યો, “ખાઈ જાવ ને પ્રસાદી, તે..! સંતોએ એમાં ઝેર થોડું નોંખ્યું હોશે ! દેવ ના દીધેલાં, એક ના એક છોકરા ને આટલું બધું રોવડાવો છો તે ?”
અને ઉગા ખુમાણે, એ સંતોએ આપેલી પ્રસાદી ખાઈ લીધી, ત્યારે છોકરાએ રોવાનું બંદ કર્યું. અને બાપુને કીધું, “બાપુ, ખરેખર આ સંતો ગુરુ કરવા જેવા છે. તો તમે વર્તમાન ધારીને કંઠી બંધાવી લો..”
વળી બાપુએ, પાછી ના પાડી દીધી, એટલે વળી છોકરો તો, પાછો પોક મૂકીને રોવા લાગ્યો. એટલે પત્નીએ સખ્તી સાથે ફરીથી આદેશ કર્યો, “દેવ ના દીધેલ એકના એક છોકરા ને આટલું બધું રોવડાવો છો તે ! હવે તો, નિયમ ધરીને કંઠી બંધાવી જ લો !”
ના છૂટકે બાપુએ, સંતો ની પાસે જઈને નિયમો ધારીને કંઠી બંધાવી લીધી. અને આ રીતે છેક 70 વર્ષ ની ઉમરે, આ બાપા સત્સંગી થયા. કારણ કે સંતોએ અપકાર ઉપર ઉપકાર કર્યો. તેથી એક દિવસ તેઓ સત્સંગી થયા.
અને આજની તારીખમાં, જુના સાવર ગામે જ્યાં ઉગા ખુમાણ નું મકાન હુતુ; એ જ જગ્યા ઉપર સુંદર મઝાનું સ્વામિનારાયણ મંદિર બંધાયેલું છે. અને તે જ સ્થળે સમયસર ભગવાન સ્વામિનારાયણ નું નામ ગુંજી રહ્યું છે.
આજે પણ આ મંદિર, જીવણ ખુમાણે બંધાવેલ સ્વામિનારાયણ મંદિર તરીકે જ ઓળખાય છે.
🙏🏼 જય સ્વામિનારાયણ..!

