#સ્થળ - શ્રી મેકરણ દાદાનુ મંદિર
#ગામ - ધ્રંગ, તા. જી. ભુજ - કચ્છ
વાંચતા લાગશે વાર પણ વાંચશો તો તમને પણ મેકરણ દાદાના મંદિરની યાત્રા અને દર્શનનો લાભ ઘર બેઠા પ્રાપ્ત થશે.
#મુખ્ય_શહેરથી_અંતર - શ્રી મેકરણ દાદાનુ મંદિર ભુજ થી #34કીમી., ભાવનગર થી #396કીમી અને રાજકોટ થી #227કીમી. ના અંતરે આવેલુ છે.
#ટ્રાન્સપોર્ટેશન - ધ્રંગ શ્રી મેકરણદાદાની જગ્યાએ પહોંચવા ભુજ થી સીધી એસ. ટી બસ અને પ્રાઈવેટ વાહન મળી રહે છે.
#ઈતિહાસ - સંત શ્રી મેકરણદાદા
સંતો નું અવતરણ લોકહિતાર્થે થતું હોય છે
જનસેવા એ જ પ્રભુ સેવા એવું મેકરણદાદા માનતા
#જન્મ - મેકરણ દાદા નો જન્મ વિક્રમ સવંત 1723ને આસો સુદ દશમ (દશેરા ના દિવસે) કચ્છના ખોંભડી ગામે ભાટી રાજપૂત પબાબાની કુખે થયો હતો પિતાનું નામ હરદુળજી હતું એ ભાટી રાજપૂત દંપતીએ પોતાના દીકરા નું નામ મેકુજી રાખ્યું હતું. મેકુજી એક વર્ષના થયા ત્યારે એક મહાન જ્યોતિષી તેમના ઘરે આવ્યા અને એ દંપતીએ મેકુજીનું ભવિષ્ય જોવા કહ્યું એ જ્યોતિષી દ્વારા મેકુજીનું ભવિષ્ય જોતા એવી ભવિષ્યવાણી ભાખી કે આ છોકરો આગળ જતા એક મહાન સંત થશે આવી ભવિષ્યવાણી સાંભળીને પબાબા થોડા દુઃખી થયા.
#સંસાર_નો_ત્યાગ - સમય જતા મેકુજી બાર વર્ષના થયા અને તેમના પિતાશ્રી હરદુળજીએ તેમને માલ ઢોર ચારવા નું કામ સોંપ્યું આમ તો મેકુજી નાનપણથી જ વૈરાગી અને ભજન પ્રેમી હતા અને માલ ઢોર ચારતા ભગવાનનું ભજન કરતાં એક દિવસ હરદુળજીએ પોતાના મકાનનુ સમારકામ કામ ચાલુ કારવ્યું અને મજૂરો દ્વારા મકાનમા ખોદ કામ ચાલુ કર્યું
એવા સમયે તે જમીનમાંથી એક પોટલું મળ્યું તે પોટલું ખોલતા તેમાંથી તુંબડી, પતર, ચાખડી, પાવડી, ટોપી, ત્રિશુલ વિગેરે મળ્યું આ વસ્તુ હરદુળજીએ કોઈ સંતને આપી દેવાની ઈચ્છા વ્યક્ત કરી પણ મેકુજી આ પોટલીમા રહેલ વસ્તુ જોઈ ગયા અને એમણે દાવો કર્યો કે આ બધી વસ્તુ મારી જ છે બાળપણથી જ તેમને ભજન કીર્તન કરવા ગમતા અને બાળપણથી જ તેમણે અમુક ઉત્કૃષ્ઠ પદોની રચના પણ કરી હતી.
તેમણે લખ્યું
પીર પીર કુરો કર્યો તા,
નાય પીરેજી ખાણ,
પંજ ઇન્દ્રિયો વસ કર્યો,
તે પીર થયો પ્રાણ.
અર્થાત
પીર જન્મતા નથી કે પીરોની કોઈ ખાણ નથી કે જેમાંથી પીર નીકળે પણ કોઈપણ માનવી પોતાની પાંચ ઈંદ્રિયોને વશ માં કરે તે પીર કે યોગી બની શકે. આમ મેકુજી 12 વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરીને ખોંભડી થી માતાનામઢ તરફ કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા અને આશાપુરા મા ના મંદિરે
માતાના મઢે રાત્રે પહોંચી ગયા આખી રાત મંદિર માં બેસી ને માતાજીનું નામ સ્મરણ કર્યું અને સવાર પડતાં મંદિરના મહંત શ્રી ગંગારામજી માતાજીની આરતી કરવા આવ્યા એ દ્રશ્ય જોતા જ મેકુજી તેના પગમાં પડી ગયા ગંગારામજી એ મેકુજી પૂછ્યું બેટા તું ક્યાંથી આવે છે? ત્યારે મેકુજી કહ્યું કે "હું ખોંભડી થી આવું છું અને મને આપ જેવા સમર્થ ગુરુની જરૂર છે", ગંગારામજી એ એ બાળક નાનો હોવાથી તેને સમજાવ્યો કે "
તુ ઘરે જતો રે તારા માતા-પિતા તને શોધતા હશે", આમ સવાર પડતા મેકુજીના માતા-પિતા તેમને શોધતા શોધતા માતાના મઢે આવી પહોંચ્યા આમ આખો દિવસ દરમિયાન ગંગારામજી હરદુળજી અને પબાબા દ્વારા ઘણુ સમજાવ્યા છતાં મેકુજી એકના બે ન થયા અને એ દિવસની રાત્રી પબાબા અને હરદુળજી માતાનામઢ રોકાયા પબાબા રાત્રે નિંદ્રાધીન હતા ત્યારે માઁ આશાપુરા તેના સપને આવી અને મેકુજીને સંસારનો ત્યાગ કરવાની સંમતિ આપવા આદેશ કર્યો આમ બીજી સવારે રાજીખુશીથી ગંગારામજી દ્વારા મેકુજીને દીક્ષા આપવામાં આવી અને ગંગારામજી એ મેકુજીને કાપડીનો ભેખ આપ્યો આમ મેકુજી માતાનામઢે પોતાના ગુરુ સાથે રહેવા લાગ્યા અને માતાજી ના મંદિરે આવતા દિન દુઃખીયાઓની સેવા કરતા અને અહીં
વારતહેવારે કચ્છના રાજવીઓનુ પણ આવાગમન રહેતુ અને મંદિરે દાન દક્ષિણા આપતાં આમ એક વખત કચ્છના રાજવી એક ઘોડી ગંગારામજીને આપેલી જે ઘોડી ગંગારામજીને ખુબજ વ્હાલી હતી અને એકવખત એ ઘોડી ખોવાઈ ગઈ તેવા સમયે ગંગારામજી ખુબ દુઃખી થયા આમ ગંગારામજીનુ દુઃખ મેકુજીથી જોવાયું નહિ અને મઢના ચાર પાંચ ભાઈઓને સાથે લઈ તે ઘોડીને શોધવા નીકળી પડ્યા આમ એ ઘોડી મળી જતા મેકુજી એ તેની સાથે આવેલ ભાઈઓ ની સાથે માતાનામઢ તે ઘોડી રવાના કરી અને તેઓ ત્યાંથી જીનામ કહી અને સૌરાષ્ટ્ર તરફ નીકળી પડ્યા.
#સૌરાષ્ટ્ર_ગીરનાર_તરફપ્રયાણ_ભગવાન_ગુરુ_દત્તાત્રેય_દ્વારા_મેકરણદાદાને_કાવડ_આપવામા_આવી - સૌરાષ્ટ્રમા ઘણી જગ્યાએ યાત્રા કર્યા બાદ તેઓ ગીરનાર આવ્યા અને બીલખા નજીક પરબ ગામે સરભંગ ઋષિનો ધુણો ધખાવ્યો આ સમય દરમિયાન તેઓ ગિરનારની યાત્રા અને પરિક્રમા કરવા જતા અને તેઓ 12 વર્ષ સુધી બીલખા - પરબ રહ્યા ત્યાં સુધી તેઓ માત્ર કંદમૂળ ખાતા અને ઝરણાનું પાણી પીતા અને ઉગ્ર તપસ્યા કરતા આમ એક વખત પરિક્રમા દરમ્યાન ગુરુ દત્તાત્રેય
મેકણ દાદા ને દર્શન આપ્યા અને મેકણ દાદા ને કાવડ આપી અને લોકો ની સેવા કરવાના આશીર્વાદ આપ્યા અને ત્યારથી મેકણદાદા ને કાવડવાળા કાપડીની ઉપમા મળી. આમ બાર વર્ષ મેકણદાદા બીલખા રહ્યા તે દરમિયાન એક ધનજી નામનો વ્યભિચારી માણસ દાદા ના આશ્રમે આવતો એ દાદા ના આશ્રમમાં આવતા બીજા ઘણા લોકોને ગમતું નહીં અને તે લોકોએ દાદાને ફરિયાદ કરી કે "આ ધનજી નામનો માણસ વ્યાભિચારી ભ્રષ્ટાચારી કૂ્સંગી છે", એટલે દાદાએ એકદમ શાંત ચિત્તે તે લોકોને જવાબ આપ્યો કે "
આવા વ્યાભિચારી વ્યક્તિને સુધારવા માટે અમારા જેવા સંતો જન્મતા હોય છે", આમ ધનજી ઘણા સમય સુધી દાદાના સત્સંગ માં આવતો રહ્યો અને ધીમે ધીમે તેનામાં પણ ખૂબ સારૂ પરિવર્તન આવ્યું અને સમય જતા ધનજી પણ સત્સંગી બની ગયો અને દાદાના પગ પકડી લીધા અને હવે પછી ક્યારેય પણ પરસ્ત્રી સામે ખરાબ નજર ન નાખવી, વ્યભિચાર, કુસંગ વગેરેનો ત્યાગ કરી સત્સંગી બની ગયો આમ મેકરણદાદા 12 વર્ષ બીલખા રહ્યા બાદ ત્યાંથી જીનામ કહીને હરિદ્વાર યાત્રા માં જવાનું કહીને ત્યાંથી નીકળી ગયા.
#દાદા_મેકરણ_અને_ગુરુદત્ત_મહારાજ_નો_બીજો_પ્રસંગ - એકવાર મેકરણ દાદા ગિરનારની યાત્રાએ હતા અને દરેક પગથિયે ગુરુ દત્તના દર્શન કરતા કરતા જઈ રહ્યા હતા તેવા સમયે બપોરનું ટાણું થતા માતા અનસૂયા ગુરુદત્ત મહારાજને થાળ જમાડવા આવે છે તે પહેલા માતા અનસૂયા તે થાળ ગીરનારના પગથિયાં ચડતા દાદા મેકરણને તે થાળ સામે આવીને ભાવથી જમાડે છે અડધો થાળ જમાડીને માતા અનસૂયા બાકીનો થાળ ગુરુદત્ત મહારાજને ધરે છે.
આ જોઈ ગુરુદત્ત મહારાજ આશ્ચર્ય પામે છે અને માતા અનસૂયાને પૂછે છે "હેં માઁ આજે આ થાળ અડધો કેમ છે, અને મારી અડધી સિદ્ધિ તમે કોને આપી દીધી???" ત્યારે માતા અનસૂયા એ કહ્યું "અડધો થાળ તારા નાના ભાઈને જમાડીને આવી રહી છુ", આમ આ વાત સાંભળી ગુરુદત્ત મહારાજ સામે ચાલીને દાદા મેકરણને મળવા આવે છે અને માતા અનસૂયા રામા અવતારના શ્રી રામ - ગુરુદત્ત મહારાજ અને લક્ષમણજી - એવા મેકરણ દાદાની ભેટ કરાવે છે અને દાદા મેકરણ ગુરુદત્ત મહારાજના શરણે પડી અને આશીર્વાદ મેળવે છે.
#ગુરુદત્ત_મહારાજ_અને_દાદા_મેકરણનો_ત્રીજો_પ્રસંગ - એકવાર ગુરુદત્ત મહારાજ અને દાતારબાપુ એકબીજાને ચલમ અંબાવીને તેનો કશ મારી રહ્યા હતા આ દ્રશ્ય જોતા દાતારબાપુ એ ગુરુદત્ત મહારાજ જ્યારે ચલમ અંબાવવા જાય છે ત્યારે મેકરણદાદા વચ્ચેથી એ ચલમ લઈને આખી ચલમ પી અને ખાલી ચલમ ગુરુદત્ત મહારાજને પાછી મોકલે છે
ત્યારે ગુરુદત્ત મહારાજ અચરજ પામે છે કે આ ચલમ ખાલી પાછી કેમ આવી અને તે નીચે આવીને મેકરણ દાદાને પૂછે છે કે હે મહાયોગી આપ કોણ છો? એટલે દાદા મેકરણ તેનો પરિચય આપતાં કહે છે કે "આપ તમારા આ નાના ભાઈને ભુલી ગયા??? રામાઅવતાર મા તમારા નાના ભાઈ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ હતુ હું આપનો નાનો ભાઈ લક્ષમણજી છુ" આ સાંભળતાજ ગુરુદત્ત મહારાજ મેકરણ દાદાને ભેટી પડે છે.
#હરિદ્વાર_યાત્રા_દરમિયાન_લાલિયા_ગધેડાનુ_મળવુ - હરિદ્વાર સાધુ સમાજની જમાત સાથે તેઓ હરિદ્વારની બજારમાં ચાલી રહ્યા હતા ત્યારે તેમને શંકરાચાર્યનો ભેટો થયો અને શંકરાચાર્ય પાસે તેમણે ભંડારો કરવાની વિનંતી કરી શંકરાચાર્ય ની સંમતિ મળ્યા બાદ મેકરણદાદા હરિદ્વારમાં પણ ગરીબ ગુરબાઓની ખૂબ સેવા કરી એક વખત એવા સાધુ સમાજ ની જમાત સાથે બજારમાં જઈ રહ્યા હતા
ત્યારે એક ગધેડા ને કોઈ હિંસક પ્રાણી દ્વારા હુમલો કરી અને ઘાયલ કરવામાં આવેલો તેથી ગધેડો ખૂબ પીડા સહન કરી રહ્યો હતો તરફડતો હતો એટલે મેકરણ દાદાએ કાવડમાંથી એ ગધેડાને ગંગાજળ પાયું અને જ્યાં ધાવ લાગ્યો હતો તે જગ્યાએ તેને ગંગાજળથી સાફ કર્યું એટલે ગધેડાને પીડા માથી થોડી રાહત થઈ આ દ્રશ્ય જોઈ સાધુ સમાજ ની જમાતે મેકરણદાદા ઉપર ફિટકાર વરસાવવા લાગ્યા અને કહેવા લાગ્યા "તમે તો ગધેડાને ગંગાજળ પાઈ અને ગંગાજીનુ અપમાન કર્યુ", આ સાંભળી મેકરણ દાદા જરાપણ વિચલિત થયા વગર તેઓને જવાબ આપ્યો કે,
પીપર મેં પણ પ્રાણ નાય,બાવર મે બ્યો,
નીમ મે ઉ નારાયણ તો, કઢે (ગધેડામા) મે ક્યો???
અર્થાત
પીપળમા જે પ્રાણ હોય તે જ બાવળમા હોય,
જો લીમડામાં નારાયણ હોય તો ગધેડા માં કેમ નહીં???
આ વાત સાંભળી સાધુ જમાત ના તમામ સંતો અવાક થઈ ગયા અને મેકરણદાદા ના પગમાં પડી ગયા આમ ત્યારબાદ તે ગધેડો મેકરણ દાદા ની સાથે રહેવા લાગ્યો અને દાદાએ તેનું નામ લાલિયો રાખ્યું સમય જતા એક કૂતરો પણ દાદા ની સાથે રહેવા લાગ્યો દાદાએ તે કુતરા નું નામ મોતિયો રાખ્યું.
#હિંગળાજ_માતજીની_યાત્રા_અને_શાહ_કલન્દર_નામના_ઓલિયાપીરને_પરચો - એકવાર દાદાએ માઁ હિંગળાજની યાત્રાએ જવાનુ નક્કી કર્યુ અને ત્યાં જવા નીકળી ગયા વચ્ચે જે ગરીબ ગુરબાઓ મળે એની સેવા કરતા જાય અને આગળ વધતા જાય અને જે ગામ આવે ત્યાં રાત્રે ગામલોકો સાથે સત્સંગ કરે આમ આગળ વધતા જતા
વચ્ચે એક જોગ નામનું ગામ આવ્યું અને આ ગામમાં મુસ્લિમ લોકોની વસ્તી ખૂબ વધારે હતી અને ત્યાં પણ એક શાહ કલંદર નામનો મોલાના પીર પાક ઓલિયો માણસ રહેતો અને ખુદાની બંદગી કરતો એણે આખા ગામમાં એક ફરમાન કાઢેલું કે આખા દિવસમાં જ્યારે પણ ખુદાની બંદગી થતી હોય
તેવા સમયે જે માણસ જ્યાં હોય ત્યાં ને ત્યાં ઊભો રહી જાય અને ખુદાની બંદગી પૂર્ણ થાય ત્યારબાદ જ પોતાનું આગળ નું કાર્ય કરે આમ એક વખત બંદગી દરમિયાન અલ્લાહનો અવાજ આવ્યો કે તેરી બંદગી મેરે તક પહોંચ નહિ રહી હૈ એટલે શાહ કલંદર સાથે નમાજ પઢતા બીજા લોકોએ તે મૌલાનાને કહ્યું કે આતો અલ્લાહનો અવાજ છે આ વાત સાંભળી શાહ કલંદરે કહ્યું ભલે મારી બંદગી અલ્લાહ સુધીના પહોંચી હોય પણ અલ્લાહને એ ખબર છે કે હું બંદગી તો કરું છું. એ વાતનો તેને રાજીપો હતો.
આમ એક વખત સાંજના સમયે દાદા મેકરણ આ જોગ નામના ગામમાંથી પસાર થઈ રહ્યા હતા અને ખુદાની બંદગીનો સમય થયો દાદામેકરણ ને શાહ કલંદર ના એ ફરમાનની ખબર જ ન હતી અને ખુદાની બંદગી દરમિયાન દાદા મેકરણ ચાલી રહ્યા હતા ત્યારે ગામના એક માણસે દાદામેકરણ ને રોક્યા અને કહ્યું કે અમારા મૌલાના નું એવું ફરમાન છે
કે ખુદાની બંદગી દરમિયાન કોયે હલનચલન કરવું નહીં એટલે દાદામેકરણે એ માણસને કહ્યું કે "એ બંદગીમાં કંઈક ખોટ છે આવું ફરમાન ન હોવું જોઈએ", તો એ માણસે કહ્યું "તો કઈ રીતે બંદગી કરાય???", એટલે દાદામેકરણ કહ્યું કે "ખુદાની સાચી બંદગી થતી હોય ત્યારે વહેતા નદીના જળ થંભી જાય, પક્ષીઓ ચણ ખાતા હોય તે ઉભા રહી જાય, માતા પોતાના બાળકને ધવડાવતી હોય એ બાળક પણ ધાવણ મૂકી દે, અને માલ ઢોર ચારો ખાતા હોય
તે ચારો ખાવાનું પણ મૂકી દે, એવી બંદગી થવી જોઈએ", આ વાત સાંભળી તે માણસ મેકરણદાદાને શાહ કલંદર પાસે લઈ ગયો અને શાહ કલંદર ને પણ આ જ વાત કહી આ વાત સાંભળી અને શાહ કલંદર અચરજ પામ્યો કે શું આવી બંદગી સાચે જ થાય ખરી??? "તમે આવી બંદગી કરી શકો???" ત્યારે મેકરણદાદાએ કહ્યું કે "અલ્લાહ, પરવર દિગાર, ભગવાન ઉપર જ્યારે ભરોસો હોય તમારી બંદગી પાક હોય તો બધું શક્ય છે",
આ વાત સાંભળી શાહ કલંદરે દાદામેકરણ ને બાંગ પોકારવા કહ્યું અને બીજા દિવસે સવારે શાહ કલંદર પોતાના ગામમાંથી માલઢોર બોલાવ્યા અને ચારો નાખ્યો પક્ષીઓને ચણ નાખવામાં આવ્યું માતાઓ પોતાના બાળકોને ધવડાવા લાગી આમ દાદા એ જે વાત કહી તે આખું દ્રશ્ય શાહ કલંદરે પોતાના ગામમાં ઉભુ કરી દીધું એક બાજુ મેકરણદાદા આવે છે અને પોતે સિંધુડી નદીના કાંઠે જઈ વહેતા જળ ને પ્રાર્થના કરે છે અને વહેતા જળમાજ ચાદર પાથરે છે અને એ વહેતું જળ થંભી જાય છે
અને દાદા મેકરણ બાંગ પોકારવાનું ચાલુ કરે છે આમ અલ્લાહની બંદગી મેકરણદાદા એ ચાલુ કરી તેજ સમયે પક્ષીઓ ચણતા બંધ થઈ ગયા બાળકો પોતાની માતાનુ ધાવણ મૂકી દીધું અને માલ ઢોર ચારો ચરતા ઊભા રહી ગયા આ દ્રશ્ય જોતા જ શાહ કલંદર દાદા મેકરણ ના ચરણોમાં પડી ગયો અને દાદા મેકરણ ને ભેટી પડ્યો અને આંખમાંથી આંસુ સરી પડ્યા આમ આ બે પીરનું જોગ નામના ગામમાં મિલન થયું એ દ્રશ્ય ખરેખર અદ્ભૂત હશે.
ત્યારબાદ દાદા માતા હિંગળાજ ની યાત્રા માટે આગળ વધ્યા તે દરમિયાન એ સાવ ઉજ્જડ જમીન ઉપર એક નાની બાલિકા એક હાથમાં ત્રિશૂલ અને એક હાથમા લાકડી રાખી બકરીઓ ચરાવતી જોવા મળી અને દાદા ની નજીક આવી દાદા એ બાળકી ના દર્શન કરીને ધન્ય થયા અને એ બાલિકા પોતાના મૂળ સ્વરૂપમાં આવી એ બાલિકા એટલે સાક્ષાત
માં હિંગળાજ આમ સામે ચાલીને માતા હિંગળાજે દાદાને દર્શન આપ્યા હતા માતા હિંગળાજે દાદાને કહ્યું તમારી યાત્રા અહી જ પૂર્ણ થઈ પણ દાદાએ કહ્યું લોકાચાર માટે મારે આપના મૂળ સ્થાનકે જવું જોઈએ એટલે માતાજીએ તથાસ્તુ કહી અને અદ્રશ્ય થઈ ગયા આમ દાદાએ માતા હિંગળાજના મંદિર સુધી યાત્રા કરી અને ત્યાં આવેલ પવિત્ર કુંડમાં સ્નાન કરી અને મંદિરે દર્શન કર્યા.
#ફરી_કચ્છ_તરફ_પ્રયાણ
ત્યારબાદ મેકરણદાદા ફરી કચ્છની ધરતી તરફ આવ્યા અને ભચાઉ ના જંગી નામના ગામે ધુણો ધખાવ્યો અને ગરીબ ગુરબાની સેવા કરવા લાગ્યા ત્યાર બાદ જંગી ગામે 12 વર્ષ ધૂણો ધખાવ્યા બાદ ત્યાંથી જીનામ કહીને લોડાઈ
ગામ તરફ ગયા અને લોડાઈ ગામમાં પણ 12 વર્ષ સુધી ધૂણો ધખાવ્યો હતો અને છેલ્લે ધ્રંગ ગામે ધુણો ધખાવ્યો આ સમય દરમિયાન લાલિયો અને મોતિયો પણ તેમની સાથે રહ્યા હતા અને રણમા ભૂલા પડતા વટેમાર્ગુઓને રોટલા, ખીચડી પાણી વી. આપી તૃપ્ત કરતા અને સાચો માર્ગ બતાવતા આમ ઘણા વર્ષો સુધી લોકોની સેવાર્થે પોતાનું જીવન વ્યતિત કર્યુ.
#માતા_લીરબાઈની_વાર્તા
- ધ્રંગ ગામે એક લીરબાઈ નામની આહીર દીકરી નાનપણથી જ દાદા ના આશ્રમે આવતી અને આશ્રમમાં તેનાથી થતું બધુ કામ કરતી સમય જતાં તે દીકરી યુવાન થઈ અને તેના લગ્ન લેવાયા જાન ગામમાં આવી ગઈ હતી અને વરરાજો મંડપમાં ચાર ફેરા ફરવા માટે તૈયાર હતો અને ગોરબાપા કન્યા
પધરાવો સાવધાન હાકલ મારી રહ્યા હતા એટલે દીકરી ના મામા તે દીકરીને મંડપમાં લાવવા માટે રૂમમાં જાય છે ત્યાં લીરબાઈ જોવા ના મળી એટલે આમ તેમ શોધખોળ ચાલુ થઈ એટલે કોઈએ કહ્યું લીરબાઈ દાદા મેકરણ ના આશ્રમે ગઈ છે એટલે ઘરના સભ્યોને થયું
કે લીરબાઈ નાનપણથી જ દાદા ના આશ્રમે સેવા કરતી એટલે કદાચ મેકરણ દાદા ના આશીર્વાદ લેવા ગઈ હશે! એટલે લીરબાઈ ના માતા પિતા એના મામા ઘરના અન્ય સભ્યો મેકરણદાદા ના આશ્રમે જાય છે અને લીરબાઈ ને મંડપમાં આવવા માટે ખૂબ મનાવે છે પણ લીરબાઈ મા ને પણ ભક્તિ નો રંગ લાગ્યો હોય એમ દાદાના આશ્રમે રહેવાની જીદ પકડી દાદા મેકરણે પણ દીકરી લીરબાઈ ને ઘણી સમજાવી
પણ તે ના માની અને આજીવન આ લીરબાઈ માં આશ્રમની સેવા કરતા રહ્યા અને આશ્રમે રોટલા બનાવી લાલિયા મોતિયાને આપતા તે રોટલા, ખીચડી અને પાણી લાલીયો મોતિયો રણમાં ભૂલા પડેલા વટેમાર્ગુઓને પહોંચાડતા અને અમુક વટેમાર્ગુઓને આશ્રમે લઈ આવતા મેકરણદાદા તે વટેમાર્ગુઓને સાચો રસ્તો બતાવતા અને સૌને જી નામ નો સંદેશો આપતા
આમ સમય જતા દાદામેકરણ એ સમાધિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી. અને વિક્રમ સવંત ૧૭૮૬ માં ધ્રંગ ગામે જીવતા સમાધિ લીધી જેમાં મેકરણદાદા એ તેના ૧૧ ભક્તો તેમજ લાલિયો ગધેડો અને મોતિયો કૂતરા એ પણ જીવતા સમાધિ લીધી જેમાં
1) ગીરનારી સંત મયાગરજી
2) માતા લીરબાઈ માઁ
3) કાંધા આહીર
4) વીઘા આહીર
5) કાંથડ સુથાર
6) સારસ્વત બ્રાહ્મણ પ્રેમજી ગણપત (ભુજ)
7) સાધુ સુંદરદાસજી
8) ઠાકોર મોકાજી (બૈયા)
9) જાડા ખિંચરાજી લે રીયા
10) કડિયા કાનજી (નાગલપુર)
11) પ્રેમા બા
પ્રાણીઓમા પણ સમજદારી અને વફાદારી હોય તેનુ ઉદાહરણ દાદાએ આપ્યું હતુ અને મેકરણ દાદાએ અનેક લોકોને જીવન જીવવાની સાચી દિશા બતાવી હતી અને જી નામ નો મંત્ર આપી જીવ થી શિવ તરફ પ્રયાણ કરી મોક્ષ માર્ગી બનાવ્યા હતા.
જીનામ_નો_અર્થ -
જીના જાખો હરે,
જી નામે જે જે કાર,
જીને જીનામ કે જાણ્યા,
તસે તરી ઉતર્યા ભવ પાર.
જી નામ નો અર્થ
જી નામ નો અર્થ એવો છે કે જીવ માત્ર માનવ, પંખી, જાનવર તમામ શરીરધારી કોઈ પણ શરીર ધારી આત્માઓ પછી માનવ હોય કે પશુ હોય તેના શરીરના અંગો અને નામ જુદા જુદા છે. હાથ,પગ,વાળ,કાન, નાક એમ દરેક ઈન્દ્રિયોમાં પણ અલગ અલગ વાત છે. પણ તેમાં જીવ છે તે જીનામ છે જેનું નામ જીનામ આવો બોલો જીનામ નો એના ઉત્તર છે.
જીઓ સમ જીઓ રામ જીનામ,
અજર અમર નાશવંત નકલંક છે,
ભજન પ્રેમી એવા હરિના દાસ એનું નામ જીનામ છે,
માતા-પિતા ઘરબાર છોડી ભયા ફકીર તેમને મારા જીનામ છે,
જ્યાં સિધ્ધોએ ભજન કરી જગતને સાચો રાહ બતાવ્યો તેને મારા જી નામ છે,
ડુંગર પહાડો પર નદીને કિનારે વન ફળ ખાય અને જેમને ઈશ્વરનું ચિંતન કર્યું અને જગતને સતપંથ બતાવ્યો તેને મારા જી નામ છે,
રણમેદાનમાં શુરા લડયા માતૃ ભક્તિ ના ભાવે રંગાણા ચાંદ સૂરજની સાખે અમર થયા તેને મારા જી નામ છે.
સંત શ્રી મેકરણ દાદાનુ બાળપણનુ નામ મેકુજી હતુ, કચ્છ મા તેમને દાદા મેકણ ના નામે ઓળખતા અને તેઓ સૌરાષ્ટ્રમા આવ્યા ત્યાં તેને લોકો દાદા મેકરણ તરીકે ઓળખતા થયા. દાદા મેકરણ સાક્ષાત લક્ષમણજીનો અવતાર હતા.
મેકરણ દાદાની જગ્યાએ આજની તારીખે પણ તેમના પિતાશ્રીના ઘરના સમારકામ દરમિયાન નીકળેલ ટોપી, ત્રિશૂળ, ચાખડી તેમજ તેમના ગુરુજીએ આપેલ કાપડી અને ગુરુદત્ત મહારાજે આપેલ કાવડ આ બધી વસ્તુઓ દર્શનાર્થે રાખવામાં આવેલ છે જેના દર્શન કરવાથી પણ પાપમુક્ત થઈ જવાય આ વસ્તુઓ જોતા જાણે સાક્ષાત મેકરણ દાદા ઉભા હોય તેવો ભાસ થયા વગર ના રહે.
બિલખા પરબમા આવેલ સરભંગ ઋષિનો ધુણો મેકરણ દાદા તે જગ્યા છોડીને ગયા બાદ તે ધુણો પરબના પીર એવા સત શ્રી દેવીદાસબાપુએ ચેતવ્યો હતો.
નેક ટેક વિવેકને અદબ ભરપૂર,
યાદવ આહીર વંશમાં જતિ સતીને શુર,
પૂજાતા કઈ પાળિયા શુરા ખેલતા જંગ,
કચ્છ તણા ઈતિહાસમાં આહિર છે અડભંગ.
26 જાન્યુઆરી, 2001 મા ગુજરાતભરમા આવેલ ભૂકંપે ખુબજ મોટી તારાજી સર્જી હતી અને કચ્છ અને તેમાંય આ ધ્રંગ ગામ તેનુ એપિસેન્ટર હતુ અને અહીં ભૂકંપ દરમિયાન આ ગામની આજુબાજુ ખુબજ મોટા ખાડા પડી ગયા હતા જાણેકે કોઈ પરગ્રહવાસીઓનુ વીમાન ઉતર્યું હોય! જે આજ સુધી લોકો અહીં જોવા આવતા. અને હા ભુજથી ધ્રંગ જતા વચ્ચે કુનરિયા ગામ આવે છે ત્યાં આમિરખાનની સુપરહિટ મુવી લગાનનુ શૂટિંગ થયેલું આજે પણ આ ગામમાં લગાન ગ્રાઉન્ડ આવેલુ છે. જેની પણ પ્રવાસીઓ મુલાકાત લે છે. ઉપરાંત મેકરણ દાદાની જગ્યાએ બપોરે તેમજ સાંજે આવેલ યાત્રિકો માટે પ્રસાદનુ વિતરણ ચાલુ હોય છે.
- નાનપણમા મેકરણ દાદાના ફોટા જોયેલા અને અમે નાના હતા ત્યારે મારા પપ્પા કચ્છ યાત્રાએ ગયેલ ત્યારે ત્યાંથી "જીનામ" લખેલા સ્ટીકર અને મેકરણ દાદાના ફોટા લાવેલ ત્યારથી એક ઈચ્છા હતી કે જીવનમા આ સ્થળે એકવાર દર્શન કરવા જવુ જે હમણાં ગત ભુજ યાત્રા દરમિયાન પુરી થઈ હતી.
🙏જીનામ જીનામ જીનામ🙏

